કૃષ્ણ – મારી દ્રષ્ટિ એ
- Chintan Shah
- Aug 19, 2022
- 2 min read
કૃષ્ણ એટલે મારા સૌથી પ્રિય વ્યક્તિ… (ભગવાન નહી હોં )

એમને હું ભગવાન માં માની ને એમનાથી દૂર થવા માં માનતો જ નથી. એ તો દોસ્ત તરીકે વધુ સારા લાગે.
કૃષ્ણ સુક્ષ્મ થી વિરાટ સ્વરૂપ છે. કૃષ્ણનો જન્મ જ ઘણો સૂચક છે.બધી વિપરીત પરિસ્થિતિનો કુનેહપૂર્વક સામનો કરીને જ શ્રેષ્ઠ બની શકાય છે એ જ એમના જીવન થી શીખવા મળે.
કૃષ્ણ જ જગત ગુરુ અને મહાન ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડના રૂપમાં પરફેફટ છે.
આજ ની પરિસ્થિતિ માં કૃષ્ણ જેવો વિશ્વસ્તરે કોઈ મહાનાયક નથી જે ફેલાયેલ અરાજકતા અને વ્યક્તિ–વ્યક્તિ અને વિશ્વના દેશો વચ્ચેનો ડર ના માહોલ ને દૂર કરવા સક્ષમ હોઈ શકે. મહાભારત જેવા યુદ્ધના કાળને જે પોતાની દૂતનીતિ, શાંતિનીતિ, કૂટનીતિ અને છેલ્લા વિકલ્પમાં યુધ્ધનીતિ થી ઉકેલે એવું એનું વ્યક્તિત્વ છે.
પ્રેમ, દોસ્તી, કુનેહ, સમજાવટ, મુતસ્દીપણું એ બધા કૃષ્ણ ના લાક્ષણિક સ્વભાવ ના શસ્ત્રો છે. જે વાંસળી પણ વગાડી શકે અને સુદર્શન ચક્ર પણ ચલાવી શકે એવો કૃષ્ણ સિવાય બીજો કોઈ ના પાક્યો છે અને ના પાકશે.
કૃષ્ણ એ સદા અધર્મી ને ક્ષમા અને કુપાત્ર ને દાન આપવાના સખ્ત વિરોધી છે અને આ બાબતમાં હું એમની સાથે બિલકુલ સંમત છું. ‘પાર્થને કહો હવે ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ‘ – અધર્મ સામે યુધ્ધ એજ વિકલ્પ એની એ ફિલોસોફી.


કૃષ્ણ ની સાથે એના જીવન ના સહુ સ્ત્રી પાત્ર નારીજીવનના ઉત્તમ ઉદાહરણો છે. વુમન એમ્પાવરમેન્ટ ની વાતો આજે થાય છે પણ કૃષ્ણે તો એ એમના જીવનકાળ માં જીવી બતાવ્યું છે. માતા દેવકી,યશોદા,રાધા,દ્રૌપદી, રુક્મિણી, મીરાં, કુંતી અને બીજા કંઈક કેટલાંય. બધાં સ્ત્રી પાત્રોને ગરિમા મળે એવું સૌભાગ્ય શ્રી કૃષ્ણની શરણમાં મળ્યું છે.

કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું ક્યારેય ફોગટ જતું નથી એવો સીધો સાદો પણ મહત્વ નો સિધ્ધાંત આપનાર કૃષ્ણ ભગવાન નથી. એ તો આપણા સૌ ની અંદર જીવે છે…. જો આપણે એની દ્રષ્ટિ થી જીવન જીવીએ તો….
જય શ્રી કૃષ્ણ.


Comments